લોડ થઈ રહ્યું છે

અનુવાદો [41]

સમ્યક્ દૃષ્ટિ સૂત્ર

એવું મેં સાંભળ્યું—એક વખત ભગવંત શ્રાવસ્તિની પાસે અનાથપિંડિકાના જેતવનમાં વિહા૨ કરી રહ્યા હતા. ત્યાં સારિપુત્રએ ભિક્ષુઓને સંબોધિને કહ્યું: “આદરણીય ભિક્ષુઓ!”

“હા આદરણીય”, ભિક્ષુઓએ સારિપુત્રને જવાબ આપ્યો. સારિપુત્રએ એવું કહ્યું:

“આદરણીયો, ‘સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ દૃષ્ટિ’ કહેવાય છે. કઇ રીતે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય છે, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જે સદ્ધર્મમાં આવી પહોંચ્યો છે?”

“આદરણીય, આ ભાષણનો અર્થ જાણવા માટે અમે ખુબ દૂરથી પણ સારિપુત્ર પાસે આવીશું. આદરણીય સારિપુત્ર પોતેજ આ વિષયની સ્પષ્ટતા કરે તો સારુ. જે પ્રમાણે આદરણીય સારિપુત્ર કહેશે એ જ પ્રમાણે ભિક્ષુઓ યાદ રાખશે.”

“તો આદરણીયો, સાંભળો, અને સારી રીતે મનમાં રાખો, હું કહું છું”.

“હા આદરણીય”, ભિક્ષુઓએ સારિપુત્રને જવાબ આપ્યો. આયુષ્યમાન સારિપુત્રએ એવું કહ્યું:

“જ્યારે આદરણીયો, આર્યસાધક અકુશળને સમજે છે, અકુશળના મૂળને સમજે છે, કુશળને સમજે છે, કુશળના મૂળને સમજે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન હોય છે, સીધી દૃષ્ટિવાળો હોય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો હોય છે.

અને અકુશળ શું છે, અકુશળનું મૂળ શું છે, કુશળ શું છે, કુશળનું મૂળ શું છે? પ્રાણઘાત અકુશળ છે, ચોરી અકુશળ છે, કામભોગમાં દુરાચાર અકુશળ છે, જૂઠું બોલવું અકુશળ છે, બદનામી કરવી અકુશળ છે, કઠોર વાણી અકુશળ છે, બકવાસ કરવો અકુશળ છે, લાલચ, દુર્ભાવના, અને ખોટી દૃષ્ટિ અકુશળ છે—આને આદરણીયો અકુશળ કહેવાય.

આદરણીયો, અકુશળનું મૂળ શું છે? લોભ અકુશળનું મૂળ છે, દ્વેષ અકુશળનું મૂળ છે, મોહ અકુશળનું મૂળ છે—આને આદરણીયો, અકુશળનું મૂળ કહેવાય.

આદરણીયો, કુશળ શું છે? પ્રાણઘાત ના કરવો એ કુશળ છે, ચોરી ના કરવી એ કુશળ છે, કામભોગમાં દુરાચાર ના કરવો એ કુશળ છે, જૂઠું ના બોલવું એ કુશળ છે, બદનામી ના કરવી એ કુશળ છે, કઠોર વાણી ના બોલવી એ કુશળ છે, બકવાસ ના કરવો એ કુશળ છે, લાલચ રહિતતા, સદ્ભાવના, અને સાચી દૃષ્ટિ કુશળ છે—આને આદરણીયો કુશળ કહેવાય.

આદરણીયો, કુશળનું મૂળ શું છે? સંતોષ, પ્રેમળતા, અને મોહ રહિતતા કુશળનું મૂળ છે—આને આદરણીયો કુશળનું મૂળ કહેવાય.

આ પ્રમાણે જ્યારે આર્યસાધક અકુશળ સમજે છે, અકુશળનું મૂળ સમજ઼ે છે, કુશળ અને કુશળનું મૂળ સમજ઼ે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સંમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક આહારને સમજે છે, આહારના ઉદયને સમજે છે, આહારના નિરોધને સમજ઼ે છે, અને આહારના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન હોય છે, સીધી દૃષ્ટિવાળો હોય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સધર્મમાં આવી પહોંચેલો હોય છે.

પણ આહાર શું છે, આહારનો ઉદય શું છે, આહારનો નિરોધ શું છે, અને આહારના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? આદરણીયો, જીવિતોના ભરણપોષણ માટે અને જન્મ લેનારની સહાયતા માટે, ચાર પ્રકારના આહારો હોય છે. કયા ચાર? ખોરાક તરીકે બરછઠ કે બારીક ઘન આહાર, સંવેદનાનો સંપર્ક એ બીજો આહાર, માનસિક સંક્લપ એ ત્રીજો આહાર, અને ચૈતન્ય એ ચોથો આહાર. તૃષ્ણાના ઉદય સાથે આહારનો ઉદય થાય છે, તૃષ્ણાના નિરોધ સાથે આહારનો નિરોધ થાય છે, આહારના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક્ કાર્યો, સમ્યક્ આજીવિકા, સમ્યક્ ઉદ્યમ, સમ્યક્ સ્મૃતિ, સમ્યક્ સમાધિ.

આ પ્રમાણે જ્યારે આર્યસાધક આહાર, આહારનું મૂળ, આહારનો નિરોધ, અને આહારના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, હજી કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક દુ:ખને સમજ઼ે છે, દુ:ખના ઉદયને સમજ઼ે છે, દુ:ખના નિરોધને સમજ઼ે છે, અને દુ:ખના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ દુ:ખ શું છે, દુ:ખનો ઉદય શું છે, દુ:ખનો નિરોધ શું છે, અને દુ:ખના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? જન્મ દુ:ખ છે, ઘડપણ દુ:ખ છે, મરણ દુ:ખ છે, શોક, વિલાપ, પીડા, વિષાદ, હતાશા દુ:ખ છે, અપ્રિય જોડે સંયોગ દુ:ખ છે, પ્રિયથી જુદાઇ દુ:ખ છે, જોઇતું હોય તે ના મળે એ દુ:ખ છે, ટૂંકમાં ગ્રહણઆધીન પાંચ ખંડો દુ:ખ છે—આને આદરણીયો દુ:ખ કહેવાય. અને આદરણીયો, દુ:ખનો ઉદય શું છે? એ તૃષ્ણા જ છે, જેના લીધે પુનર્ભવ થાય છે, જે લાલસા સાથે જુદી જુદી જગ્યાઓમાં આનંદ શોધે છે, એટલે કે—કામતૃષ્ણા, ભવતૃષ્ણા, વિભવતૃષ્ણા—આને આદરણીયો દુ:ખનો ઉદય કહેવાય. પણ આદરણીયો દુ:ખનો નિરોધ શું છે? એ જ તૃષ્ણાનો ધીમે ધીમે સંપૂર્ણપણે જરાય અવશેષ બચ્યા વગર ત્યાગ, વિસર્જન, મુક્તિ, અનુપસ્થિતી—આને આદરણીયો દુ:ખનો નિરોધ કહેવાય. પણ આદરણીયો, દુઃખના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? આ એ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—આને આદરણીયો દુ:ખના નિરોધ તરફ લઇ જનારો માર્ગ કહેવાય.

આ પ્રમાણે જ્યારે આર્યસાધક દુઃખ, દુઃખનું મૂળ, દુઃખનો નિરોધ, અને દુઃખના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક ઘડપણ અને મરણને સમજ઼ે છે, ઘડપણ અને મરણના ઉદયને સમજ઼ે છે, ઘડપણ અને મરણના નિરોધને સમજ઼ે છે, અને ઘડપણ અને મરણના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ ઘડપણ અને મરણ શું છે, ઘડપણ અને મરણનો ઉદય શું છે, ઘડપણ અને મરણનો નિરોધ શું છે, અને ઘડપણ અને મરણના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? જે કોઇ આસ્થાનના જીવોનું ઘડપણ, જીર્ણતા, દાંતોનું તૂટવુ, વાળ ધોળા થવા, ચામડી ચિમળાઇ જવી, જીવનશક્તિનો ઘટાડો, ઇંદ્રિયોની નિષ્ફળતા—આને આદરણીયો ઘડપણ કહેવાય. આદરણીયો, મરણ શું છે? જે કોઇ આસ્થાનના જીવોનું અવસાન, વિઘટન, અંતર્ધાન, મૃત્યુ, કાળ સમાપ્તિ, ખંડોના સંયોજનનું તૂટી જવું, દેહને શબ તરીકે મૂકી દેવું, જીવનઇંદ્રિયોનો છેદ—આને આદરણીયો મરણ કહેવાય. આ રીતે ઘડપણ છે અને આ રીતે મરણ છે—આને આદરણીયો ઘડપણ અને મરણ કહેવાય. જન્મના ઉદય સાથે ઘડપણ અને મરણનો ઉદય થાય છે, જન્મના નિરોધ સાથે ઘડપણ અને મરણનો નિરોધ થાય છે, ઘડપણ અને મરણના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક ઘડપણ અને મરણ, ઘડપણ અને મરણનું મૂળ, ઘડપણ અને મરણનો નિરોધ, અને ઘડપણ અને મરણના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક જન્મને સમજ઼ે છે, જન્મના ઉદયને સમજ઼ે છે, જન્મના નિરોધને સમજ઼ે છે, અને જન્મના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ જન્મ શું છે, જન્મનો ઉદય શું છે, જન્મનો નિરોધ શું છે, અને જન્મના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? જે કોઇ આસ્થાનમાં જીવોનો જન્મ, ઉદય, ગર્ભધારણ, આગમન, ઇંદ્રિયોની સ્થાપના—આને આદરણીયો જન્મ કહેવાય. અસ્તિત્વના ઉદય સાથે જન્મનો ઉદય થાય છે, અસ્તિત્વના નિરોધ સાથે જન્મનો નિરોધ થાય છે, જન્મના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક જન્મ, જન્મનું મૂળ, જન્મનો નિરોધ, અને જન્મના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક અસ્તિત્વને સમજ઼ે છે, અસ્તિત્વના ઉદયને સમજ઼ે છે, અસ્તિત્વના નિરોધને સમજ઼ે છે, અને અસ્તિત્વના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ અસ્તિત્વ શું છે, અસ્તિત્વનો ઉદય શું છે, અસ્તિત્વનો નિરોધ શું છે, અને જ અસ્તિત્વના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? આદરણીયો, ત્રણ પ્રકારના અસ્તિત્વ હોય છે—કામલોકમાં અસ્તિત્વ, રૂપલોકમાં અસ્તિત્વ, અરૂપલોકમાં અસ્તિત્વ. ગ્રહણના ઉદય સાથે અસ્તિત્વનો ઉદય થાય છે, ગ્રહણના નિરોધ સાથે અસ્તિત્વનો નિરોધ થાય છે, અસ્તિત્વના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક અસ્તિત્વ, અસ્તિત્વનું મૂળ, અસ્તિત્વનો નિરોધ, અને અસ્તિત્વના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક ગ્રહણને સમજ઼ે છે, ગ્રહણના ઉદયને સમજ઼ે છે, ગ્રહણના નિરોધને સમજ઼ે છે, અને ગ્રહણના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ ગ્રહણ શું છે, ગ્રહણનો ઉદય શું છે, ગ્રહણનો નિરોધ શું છે, અને ગ્રહણના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? “આદરણીઆો, ચાર પ્રકારનું ગ્રહણ હોય છે. કામભોગનું ગ્રહણ, મતદૃષ્ટિનું ગ્રહણ, રીતરિવાજનું ગ્રહણ, આત્મવાદનું ગ્રહણ. તૃષ્ણાના ઉદય સાથે ગ્રહણનો ઉદય થાય છે, તૃષ્ણાના નિરોધ સાથે ગ્રહણનો નિરોધ થાય છે, ગ્રહણ નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક ગ્રહણ, ગ્રહણનું મૂળ, ગ્રહણનો નિરોધ, અને ગ્રહણના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક તૃષ્ણાને સમજ઼ે છે, તૃષ્ણાના ઉદયને સમજ઼ે છે, તૃષ્ણાના નિરોધને સમજ઼ે છે, અને તૃષ્ણાના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ તૃષ્ણા શું છે, તૃષ્ણાનો ઉદય શું છે, તૃષ્ણાનો નિરોધ શું છે, અને તૃષ્ણાના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? આદરણીયો, છ પ્રકારની તૃષ્ણા હોય છે—રૂપ તૃષ્ણા, ધ્વનિ તૃષ્ણા, ગંધ તૃષ્ણા, સ્વાદ તૃષ્ણા, સંવેદના સંપર્ક તૃષ્ણા, અને માનસિક પ્રવૃત્તિની તૃષ્ણા. સંવેદનાના ઉદય સાથે તૃષ્ણાનો ઉદય થાય છે, સંવેદનાના નિરોધ સાથે તૃષ્ણાનો નિરોધ થાય છે, તૃષ્ણાના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક તૃષ્ણા, તૃષ્ણાનું મૂળ, તૃષ્ણાનો નિરોધ, અને તૃષ્ણાના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક સંવેદનાને સમજ઼ે છે, સંવેદનાના ઉદયને સમજ઼ે છે, સંવેદનાના નિરોધને સમજ઼ે છે, અને સંવેદનાના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ સંવેદના શું છે, સંવેદનાનો ઉદય શું છે, સંવેદનાનો નિરોધ શું છે, અને સંવેદનાના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? આદરણીયો, છ પ્રકારની સંવેદના હોય છે—આંખ, કાન, નાક, જીભ, કાયા, અને મનના સંપર્કને લીધે ઉત્પન્ન થયેલી સંવેદના. સંપર્કના ઉદય સાથે સંવેદનાનો ઉદય થાય છે, સંપર્કના નિરોધ સાથે સંવેદનાનો નિરોધ થાય છે, વેદનાના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક સંવેદના, સંવેદનાનું મૂળ, સંવેદનાનો નિરોધ, અને સંવેદનાના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક સંપર્કને સમજ઼ે છે, સંપર્કના ઉદયને સમજ઼ે છે, સંપર્કના નિરોધને સમજ઼ે છે, અને સંપર્કના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ સંપર્ક શું છે, સંપર્કનો ઉદય શું છે, સંપર્કનો નિરોધ શું છે, અને સંપર્કના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? આદરણીયો, છ પ્રકારના સંપર્ક હોય છે—આંખ, કાન, નાક, જીભ, કાયા, અને મનના દ્વાર પર ઉત્પન્ન થયેલો સંપર્ક. છ ઇંદ્રિયોના ઉદય સાથે સંપર્કનો ઉદય થાય છે, છ ઇંદ્રિયોના નિરોધ સાથે સંપર્કનો નિરોધ થાય છે, સંપર્કના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક સંપર્ક, સંપર્કનું મૂળ, સંપર્કનો નિરોધ, અને સંપર્કના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક છ ઇંદ્રિયોને સમજ઼ે છે, છ ઇંદ્રિયોના ઉદયને સમજ઼ે છે, છ ઇંદ્રિયોના નિરોધને સમજ઼ે છે, અને છ ઇંદ્રિયોના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ છ ઇંદ્રિયો શું છે, છ ઇંદ્રિયોનો ઉદય શું છે, છ ઇંદ્રિયોનો નિરોધ શું છે, અને છ ઇંદ્રિયોના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? આદરણીયો, છ પ્રકારની ઇંદ્રિયો હોય છે—ચક્ષુઇંદ્રિય, કર્ણઇંદ્રિય, નાકઇંદ્રિય, જીભઇંદ્રિય, કાયાઇંદ્રિય, મનોઇંદ્રિય. નામરૂપના ઉદય સાથે છ ઇંદ્રિયોનો ઉદય થાય છે, નામરૂપના નિરોધ સાથે છ ઇંદ્રિયોનો નિરોધ થાય છે, છ ઇંદ્રિયોના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક છ ઇંદ્રિયો, છ ઇંદ્રિયોનું મૂળ, છ ઇંદ્રિયોનો નિરોધ, અને છ ઇંદ્રિયોના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક નામરૂપને સમજ઼ે છે, નામરૂપના ઉદયને સમજ઼ે છે, નામરૂપના નિરોધને સમજ઼ે છે, અને નામરૂપના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ નામરૂપ શું છે, નામરૂપનો ઉદય શું છે, નામરૂપનો નિરોધ શું છે, અને નામરૂપના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? સંવેદના, સંજ્ઞા, મનોવૃત્તિ, સંપર્ક, મનોલક્ષ—આને આદરણીયો નામ કહેવાય. ચાર મહાભૂત તત્વો, અને એમાંથી ઉત્પન્ન થયેલા રૂપ− આને આદરણીયો રૂપ કહેવાય. આ રીતે નામ છે અને આ રીતે રૂપ છે—આને આદરણીયો નામરૂપ કહેવાય. ચૈતન્યના ઉદય સાથે નામરૂપનો ઉદય થાય છે, ચૈતન્યના નિરોધ સાથે નામરૂપનો નિરોધ થાય છે, નામરૂપના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક નામરૂપ, નામરૂપનું મૂળ, નામરૂપનો નિરોધ, અને નામરૂપના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક ચૈતન્યને સમજ઼ે છે, ચૈતન્યના ઉદયને સમજ઼ે છે, ચૈતન્યના નિરોધને સમજ઼ે છે, અને ચૈતન્યના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ ચૈતન્ય શું છે, ચૈતન્યનો ઉદય શું છે, ચૈતન્યનો નિરોધ શું છે, અને ચૈતન્યના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? આદરણીયો, છ પ્રકારનું ચૈતન્ય હોય છે—ચક્ષુ ચૈતન્ય, કર્ણ ચૈતન્ય, નાક ચૈતન્ય, જીભ ચૈતન્ય, કાયા ચૈતન્ય, અને મનો ચૈતન્ય. સંસ્કારના ઉદય સાથે ચૈતન્યનો ઉદય થાય છે, સંસ્કારના નિરોધ સાથે ચૈતન્યનો નિરોધ થાય છે, ચૈતન્યના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક ચૈતન્ય, ચૈતન્યનું મૂળ, ચૈતન્યનો નિરોધ, અને ચૈતન્યના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—

આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.” “બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક સંસ્કારને સમજ઼ે છે, સંસ્કારના ઉદયને સમજ઼ે છે, સંસ્કારના નિરોધને સમજ઼ે છે, અને સંસ્કારના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ સંસ્કાર શું છે, સંસ્કારનો ઉદય શું છે, સંસ્કારનો નિરોધ શું છે, અને સંસ્કારના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? આદરણીયો, ત્રણ પ્રકારના સંસ્કાર હોય છે—કાયા સંસ્કાર, વાણી સંસ્કાર, ચિત્ત સંસ્કાર. અવિદ્યાના ઉદય સાથે સંસ્કારનો ઉદય થાય છે, અવિદ્યાના નિરોધ સાથે સંસ્કારનો નિરોધ થાય છે, સંસ્કારના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક સંસ્કાર, સંસ્કારનું મૂળ, સંસ્કારનો નિરોધ, અને સંસ્કારના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક અવિદ્યાને સમજ઼ે છે, અવિદ્યાના ઉદયને સમજ઼ે છે, અવિદ્યાના નિરોધને સમજ઼ે છે, અને અવિદ્યાના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે. પણ અવિદ્યા શું છે, અવિદ્યાનો ઉદય શું છે, અવિદ્યાનો નિરોધ શું છે, અને અવિદ્યાના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? અહીં આદરણીયો, દુઃખનું અજ્ઞાન, દુઃખના ઉદયનું અજ્ઞાન, દુઃખના નિરોધનું અજ્ઞાન, દુઃખના નિરોધ તરફ લઇ જનારા માર્ગનું અજ્ઞાન—આને આદરણીયો અવિદ્યા કહેવાય. અશુદ્ધિઓના ઉદય સાથે અવિદ્યાનો ઉદય થાય છે, અશુદ્ધિઓના નિરોધ સાથે અવિદ્યાનો નિરોધ થાય છે, અવિદ્યાના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક અવિદ્યા, અવિદ્યાનું મૂળ, અવિદ્યાનો નિરોધ, અને અવિદ્યાના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

“બહુ સરસ!” કહીને એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સહેમત અને ખુશ થયા. પછી એમણે બીજો સવાલ પુછ્યો: “પણ આદરણીય, કોઇ બીજી રીત છે જેના પ્રમાણે આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાળો કહેવાય, જેની દૃષ્ટિ સીધી છે, જેને આર્યધર્મમાં શ્રદ્ધા છે, અને જેને સદ્ધર્મ પ્રાપ્ત થયો છે?”

“હા આદરણીયો, બીજી રીત છે. જ્યારે આદરણીયો, આર્યસાધક અશુદ્ધિઓને સમજે છે, અશુદ્ધિઓના ઉદયને સમજ઼ે છે, અશુદ્ધિઓના નિરોધને સમજ઼ે છે, અને અશુદ્ધિઓના નિરોધ તરફ લઇ જનારા માર્ગને સમજ઼ે છે—ત્યારે આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, એને ધર્મમાં અત્યંત શ્રદ્ધા હોય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.

પણ અશુદ્ધિઓ શું છે, અશુદ્ધિઓનો ઉદય શું છે, અશુદ્ધિઓનો નિરોધ શું છે, અને અશુદ્ધિઓના નિરોધ તરફ લઇ જનારો માર્ગ શું છે? આદરણીયો, ત્રણ પ્રકારની અશુદ્ધિઓ હોય છે—કામભોગની અશુદ્ધિ, અસ્તિત્વની અશુદ્ધિ, અને અવિદ્યાની અશુદ્ધિ. અવિદ્યાના ઉદય સાથે અશુદ્ધિઓનો ઉદય થાય છે, અવિદ્યાના નિરોધ સાથે અશુદ્ધિઓનો નિરોધ થાય છે, અશુદ્ધિઓના નિરોધ તરફ લઇ જનારો માર્ગ એ કેવળ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—સમ્યક્ દૃષ્ટિ … સમ્યક્ સમાધિ—

આ પ્રમાણે જ્યારે આર્યસાધક અશુદ્ધિઓ, અશુદ્ધિઓનું મૂળ, અશુદ્ધિઓનો નિરોધ, અને અશુદ્ધિઓના નિરોધ તરફ લઇ જનારા માર્ગને બરાબર સમજે છે, ત્યારે એ સંપૂર્ણપણે લાલસાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ઘૃણાની આંતરિક મનોવૃત્તિનો ત્યાગ કરે છે, ‘હું છું’ એવી દૃષ્ટિ અને અભિમાનની આંતરિક મનોવૃત્તિનો વિનાશ કરે છે, અને અજ્ઞાનનો ત્યાગ કરી, જ્ઞાનનો ઉદય કરીને અહીં જ વર્તમાનમાં દુ:ખનો અંત કરે છે—આ પ્રમાણે પણ આદરણીયો, આર્યસાધક સમ્યક્ દૃષ્ટિવાન કહેવાય છે, સીધી દૃષ્ટિવાળો કહેવાય છે, ધર્મમાં અત્યંત શ્રદ્ધાળુ કહેવાય છે અને સદ્ધર્મમાં આવી પહોંચેલો કહેવાય છે.”

સારિપુત્રએ એવું કહ્યું. એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સંતુષ્ટ અને આનંદિત થયા.

સમ્યક્ દૃષ્ટિ સૂત્રની સંપૂર્ણતા.

ટિપ્પણીઓ [5]